અમદાવાદઃ ગુજરાતના લાખો ફિક્સ પગારદારોને લાભ થાય તેવો સીમાવર્તી ચુકાદો આપી ગુજરાત હાઈકોર્ટે 1999થી ઔડામાં ફરજ બજાવતા 20થી વધુ કર્મચારીઓને ભરતીની તારીખથી કાયમી ગણવાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે નોકરીની શરતોનું અર્થઘટન કર્યું હોવાથી આ ચુકાદો રાજ્યના લાખો ફિક્સ પગારદારોને લાગુ પડે છે.
હાઇકોર્ટના જસ્ટિસ મોહિન્દર પાલે અરજદાર કર્મચારીઓની અરજી ગ્રાહ્ય રાખતા નોંધ્યું છે કે,‘ઔડાએ અરજદારોને કાયમી કર્મચારી તરીકે ગણવા માટેના જરૂરી આદેશ પાસ કરવાના રહેશે. એટલું જ નહીં કાયમી નિમણૂક કરાયેલા કર્મચારીઓની જેમ અરજદારો પણ તમામ લાભો મેળવવાને હકદાર રહેશે.’
સોનલ પટેલ અને અન્ય અરજદારો પૈકી મોટા ભાગના 1999થી ઔડામાં નિમણૂંક પામ્યા હતા. અવારનવારની રજૂઆતો છતાંય તેમને કાયમી કરવામાં આવતા નહોતા કે સર્વિસના અન્ય કોઇ લાભો આપ્યા વિના ફિક્સ પગાર અપાતો હતો. તેથી ઔડાની આ નિષ્ક્રિયતા સામે તેમણે હાઇકોર્ટમાં રિટ પિટિશન કરી હતી.
આ મામલે બે જુદીજુદી રિટ પિટિશનમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે,‘એક અરજદારને છોડીને બાકીના તમામની નિમણૂંક 1999થી 2001ની વચ્ચે ઔડામાં થઇ હતી. આ માટેની સત્તાવાર જાહેરાત અને ત્યારબાદ લેખિત પરીક્ષા આપીને અને ભરતીની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ તેમની નિમણૂંક કરવામાં આવી હતી.
આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત હતી. તમામ અરજદારને વર્ષ 2004 સુધી એક્સટેન્શન પણ અપાયું હતું અને ત્યારબાદ તેની સર્વિસ પૂર્ણ થતી હતી. પરંતુ 2004માં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ અરજદારોને પૂર્વવત્ નીતિ-નિયમોના આધારે નવેસરથી એપોઇન્મેન્ટ ઓર્ડર આપ્યા વિના સર્વિસમાં ચાલુ રાખવામાં આવ્યા હતા.
અરજદારોએ વિવિધ તબક્કે ઔડામાં વિનંતી કરી હતી કે તેઓની સર્વિસ નિયમિત કરવામાં આવે. ઔડાએ તેમનો કેસ રાજ્ય સરકારમાં મૂક્યો હતો. જેમાં રાજ્ય સરકારે વળતો જવાબ આપ્યો હતો કે ઔડા એક સ્વાયત્ત સંસ્થા છે અને અરજદારોની ભરતી અને તેમને કાયમી કરવાનો નિર્ણય કરવા સક્ષમ છે.
રાજ્ય સરકારે આ જવાબ વર્ષ 2008માં આપ્યો હતો, ત્યાર પછી પણ અરજદારોની નિમણૂંક કાયમી કરવામાં આવી નહોતી.’ ઔડા તરફથી આ રિટમાં એવો જવાબ આપવામાં આવ્યો હતો કે,‘તમામ અરજદારોની ભરતી ફિક્સ પગાર પર કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવી હોવાથી તેમને કાયમી કરી શકાય નહીં.’
જસ્ટિસ મોહિન્દર પાલે બંને પક્ષોની રજૂઆતના અંતે ચુકાદો આપતા નોંધ્યું હતું કે,‘ઔડાનો જે રીતે વિસ્તાર થઇ રહ્યો છે અને તેની અંદર આવતા વિસ્તારો જે રીતે વધી રહ્યા છે, તે જોતા ઔડા ભવિષ્યમાં બંધ થઇ જશે તેમ જણાતું નથી. ઔડાને અરજદારોની સેવાની જરૂર નથી તેમ પણ કહી શકાય નહીં.
આ સંજોગોમાં અરજદારોને સર્વિસ નિયમિત થવી જોઇએ. ખાસ કરીને જ્યારે અરજદારો સિલેક્શનની પ્રક્રિયામાંથી પસાર થયા હોય અને તેઓ પરીક્ષા આપીને સર્વિસમાં જોડાયા હોય ત્યારે તેઓ લાભ મેળવવાને પાત્ર ગણાય. એટલું જ નહીં ઔડાએ એવી કોઇ પોલિસી કે ભરતી માટેના નીતિ-નિયમો અથવા પ્રક્રિયા પણ દર્શાવી નથી.
આ બાબતો પરથી એવું કહી શકાય કે અરજદારોની નિમણૂક અથવા તેમને સર્વિસમાં ચાલુ રાખવાને ગેરકાદેસર ઠેરવી શકાય. આવા સંજોગોમાં અરજદારોની અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે અને તેમની ભરતીની તારીખથી નિયમિત ગણી લાભો આપવાનો હુકમ કરવામાં આવે છે.’
No comments:
Post a Comment