આપણે ત્યાં લવિંગ દેવોના ફૂલ તરીકે ઓળખાય છે. એટલે આયુર્વેદમાં તેને ‘દેવકુસુમ’ નામ આપવામાં આવ્યું છે. નાનકડા ફૂલ જેવા આકારનું આ દેવકુસુમ પ્રાચીન કાળથી ગરમ મસાલામાં સુગંધ લાવવા માટે પ્રયોજાતું આવ્યું છે. લવિંગ મુખવાસ તરીકે પાન-મસાલામાં પણ વપરાય છે તથા ઘરગથ્થુ ઔષધ તરીકે પણ ઉપયોગી છે. આ વખતે આ લવિંગના આયુર્વેદિય ગુણકર્મો અને ઉપયોગો વિશે નિરૂપણ કરવાનો ઉપક્રમ છે.
ગુણકર્મો
આપણા દેશમાં લવિંગ ઝાંઝીબારથી આયાત કરવામાં આવે છે. ભારતમાં દક્ષિણ તરફ તેના વૃક્ષો ઉછેરવામાં આવે છે. એ વૃક્ષોના ફૂલની કળીઓ સુકાઈ ગયા પછી લવિંગ તરીકે ઓળખાય છે. ૩૦-૪૦ ફૂટ ઊંચા લવિંગના વૃક્ષો આઠ-નવ વર્ષે લવિંગ આપે છે અને સાઠ વર્ષ સુધી આપતા રહે છે.
આયુર્વેદ પ્રમાણે લવિંગ તીખા અને કડવા, પચવામાં હલકા, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, ઠંડા, લાળગ્રંથીઓને ઉત્તેજીત કરનાર, યકૃત ઉત્તેજક, મુખ દુર્ગંધનાશક, લોહીનું દબાણ વધારનાર, કફ અને પિત્તનાશક તથા નેત્રો માટે હિતકારી છે. તે શરદી, ઉધરસ, ઊલટી, આફરો, લોહી વિકાર, શ્વાસ-દમ, અજીર્ણ, આંચકી વગેરે વિકૃતિઓને મટાડનાર છે.
રાસાયણિક દ્રષ્ટિએ લવિંગમાંથી એક સુગંધિત તેલ ૧૪.૨૩% નીકળે છે. આ તેલમાં યુજિનાલ, યુજિનાલ એસિટેટ તથા કૈરિયોફાઈલિન જેવા ઘટકો રહેલા હોય છે. આ સિવાય લવિંગમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ખનિજ તથા ટેનિન પણ રહેલા છે.
ઉપયોગોઃ-
લવિંગ તીખા અને કડવા હોવાથી ભૂખ લગાડનાર, આહાર પચાવનાર અને રુચિવર્ધક છે. તિક્ષ્ણ હોવાથી તે લાળગ્રંથિઓને ઉત્તેજીત કરી પાચનમાં સહાય કરે છે. લવિંગનો ઉકાળો પેટની તકલીફોમાં એટલે જ ઘણો ફાયદો કરે છે. ઉકાળો બનાવવા માટે આશરે ૨૦ નંગ લવિંગને બે ગ્લાસ પાણીમાં ઉકાળવા. ઉકળતા એક કપ પાણી બાકી રહે એટલે ગાળી, ઠંડું પાડીને પી જવું. સવાર-સાંજ ઉકાળો તાજો બનાવીને પીવાથી અગ્નિમાંદ્ય, પેટનો ગેસ, ચૂંક, અજીર્ણ વગેરેમાં ફાયદો થાય છે.
લવિંગ આમયુક્ત, કાચા, ચીકણા ઝાડનું ઉત્તમ ઔષધ છે. ૨૫ ગ્રામ લવિંગ અને ૧૦૦ ગ્રામ સૂંઠ લઈ, ખૂબ ખાંડીને તેનું ચૂર્ણ બનાવી લેવું. સવાર-સાંજ અડધી ચમચી જેટલું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી આહારનું પાચન થઈ કાચા ઝાડા વગેરે બંધ થાય છે.
લવિંગ ચાવીને તેનો રસ ધીમેધીમે ઉતારતા રહેવાથી શરદી, સળેખમ, કફ અને દમ-શ્વાસમાં ખૂબ જ લાભ થાય છે. લવિંગ શ્વાસનળીઓની અંદરની દીવાલોને ઉત્તેજીત કરે છે અને કફ આસાનીથી છૂટો પડી બહાર નીકળવા લાગે છે. એટલે અસ્થમા-દમના હુમલા વખતે ચાર-પાંચ લવિંગ ચાવીને તેનો રસ ધીમેધીમે ઉતારતા રહેવાથી રાહત અનુભવાય છે.
લવિંગ વેદનાશામક હોવાથી દાંતના દુખાવમાં અકસીર છે. દાઢ સડી જવાથી પોલી થઈ ગઈ હોય તેમજ તેમાં જો દુખાવો થતો હોય તો લવિંગના તેલનું પોતું મૂકવાથી ખૂબ જ રાહત થાય છે. લવિંગ અને કપૂરનું ચૂર્ણ સરખા ભાગે લઈ તેને દાંતમાં ભરવાથી પણ દુખાવામાં રાહત થાય છે.
‘લવંગાદિ વટી’ આયુર્વેદનું પ્રસિદ્ધ ઔષધ છે. બજારમાં એ તૈયાર મળી રહે છે. એકથી બે લવંગાદિ વટી દર ત્રણ-ચાર કલાકે ચૂસવાથી શરદી, સળેખમ, ઉધરસ વગેરે મટે છે. લવંગાદિ વટીની જેમ અવિપત્તિકર ચૂર્ણ, લવંગાદિ ચૂર્ણ, લવંગચતુઃસમ વગેરે આયુર્વેદિય ઔષધોમાં લવિંગ મુખ્યરૂપમાં પ્રયોજાય છે.
No comments:
Post a Comment